કલમ ૩૭૦ : ભારતનુ બંધારણ અને જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જા વિશે કાયદાકીય માહિતિ.

આર્ટિકલ ૩૭૦ વારંવાર ચર્ચામા અને વિવાદમા આવે છે. કાશ્મીર અને કલમ – ૩૭૦ અનુસંધાનમા નેતાઓના વિવિધ પ્રકારના ચુંટણીલક્ષી નિવેદનોના કારણે દેશના લોકોમા ગેરસમજણ અને વાદ-વિવાદ ફેલાય છે. કાશ્મીરના સળગતા સવાલના મુળમા કલમ – ૩૭૦ હોવાનુ ઘણા નાગરિકો માને છે પણ તેમને ૩૭૦ વિશે સંપુર્ણ જાણકારી હોતી નથી પરિણામે આ મુદ્દે વર્ષોથી ફક્ત રાજકારણ રમાય છે પણ કોઈ સોલ્યુશન આવતુ નથી. એક બાજુ તમામ પાર્ટીઓના નેતાઓ સત્તાલક્ષી રાજકારણમા વ્યસ્ત હોય ત્યારે બીજી બાજુ આપણા દેશના વીર જવાનો સરહદ ઉપર પોતાના જીવનુ બલિદાન આપતા હોય છે.

જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિશે

આર્ટીકલ – ૧(૨) સાથે બંધારણની અનુસુચિ – ૧ ના ક્રમ નંબર – ૧૫ થી જમ્મુ કાશ્મીર ભારતનુ રાજ્ય માનવામા આવે છે. આ સાથે જમ્મુ અને કાશ્મીરને સંવિધાનના આર્ટિકલ ૩૫(એ) અને આર્ટિકલ ૩૭૦ થી કેટલાક વિશષ અધિકારો આપવામા આવ્યા છે. આ વિશેષ અધિકારો આઝાદીકાળથી વિવાદીત અને લોહિયાળ બની રહ્યા છે.

આર્ટિકલ ૩૭૦ શુ છે?

ભારતના બંધારણના ભાગ – ૨૧મા કલમ – ૩૭૦નો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ કલમમાં કરવમા આવેલી જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીરને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપવામા આવ્યો છે. સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મળવાના કારણે જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર પોતાના માટે અલગથી કાયદાઓ બનાવી શકે છે તેમજ ભારત સરકારે બનાવેલા કાયદાઓ પોતાના રાજ્યમા લાગુ ન કરવાની પણ સત્તા મળે છે.

આર્ટિકલ ૩૫(એ) શુ છે?

બંધારણના આર્ટિકલ – ૩૫(એ) ની જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીરના કાયમી રહેવાસીઓને કેટલાક વિશષ અધિકારો આપવાની જોગવાઈ છે જેમા કાશ્મીરના સ્થાયી રહેવાસીઓને રાજ્ય સરકારની નોકરી, સ્થાવર મિલકત ધારણ કરવી, કાશ્મીરમા વસવાટ કરવો વગેરે તમામ બાબતોમા કાશ્મીર સરકારના રહેવાસીઓને ભારતના અન્ય નાગરિકો કરતા વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે.

આર્ટિકલ ૩૭૦ ની જોગવાઈઓ

  • આ આર્ટિકલથી જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિધાનસભાને કાયદાઓ બનાવવા તેમજ લાગુ કરવાના વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે.
  • આર્ટિકલ ૩૭૦ની જોગવાઈ મુજબ ભારતની સંસદ સંરક્ષણ, વિદેશની બાબતો તેમજ નાણા અને સંદેશાવ્યવહારને લગતી બાબતોના કોઈપણ કાયદાઓ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરી શકે છે. પરંતુ આ સિવાય ભારતની સંસદે કોઈપણ બાબતના કાયદા બનાવે તો તેને જમ્મુ કાશ્મીરમા લાગુ કરી શકાતા નથી. અને જો લાગુ કરવા હોય તો જમ્મુ કાશ્મીર વિધાનસભા દ્વારા ખરડો પસાર કરવો જરૂરી છે.
  • કલમ – ૩૭૦ની જોગવાઈના કારણે ભારતના કાયદાઓ જેવા કે, આરટીઆઈ, ભ્રષ્ટાચાર અધિનિયમ, આરટીઈ, આઈપીસી, સીઆરપીસી તેમજ ભારતની સંસ્થાઓ જેવી કે CBI, CAG, કાશ્મીરમા લાગુ પડતા નથી.
  • ભારતીય નાગરિકોને મળતા કાયદાકીય અધિકારો અને કાયદાના રક્ષણ કરતા જમ્મુ અને કાશ્મીરના કાયદાઓ તેમજ કાશ્મીરના કાયમી નાગરિકોને મળતા અધિકારો અલગ છે
  • સંવિધાનના આર્ટિકલ – ૩૬૦માં નાણાકિય કટોકટી લાગુ કરવાની જોગવાઈ કરવામા આવી છે પરંતુ આર્ટિકલ – ૩૭૦ ના કારણે જમ્મુ અને કાશ્મીરમા ક્યારેય નાણાકીય કટોકટી લાગુ કરી શકાય નહી.
  • જમ્મુ અને કાશ્મીરમા આંતરિક હિંસા કે શાંતિભંગના કિસ્સામા કટોકટી લાગુ કરી શકાય નહી પરંતુ ફક્ત યુદ્ધ અથવા બાહ્ય આક્રમણની પરિસ્થિતિમા જ કટોકટી લાગુ કરી શકાય છે.
  • આર્ટિકલ – ૩૭૦ની જોગવાઈના કારણે ભારત સરકાર જમ્મુ અને કાશ્મીર રાજ્યની ભૌગોલિક હદમા કોઈ વધારો કે ઘટાડો કે કોઈ ફેરફાર કરી શકે નહી.

આર્ટિકલ ૩૫(એ)ની જોગવાઈઓ

  • આ આર્ટિકલથી જમ્મુ અને કાશ્મીર રાજ્યના કાયમી રહેવાસી નાગરિકોએ કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે.
  • આર્ટિકલ ૩૫(એ) જમ્મુ અને કાશ્મીરના કાયમી રહેવાસી એટલે કે, જમ્મુ/કાશ્મીરના નાગરીકત્વ નક્કી કરવાની વિધાનસભાને સત્તા આપે છે અને આવા નાગરિકોને અધિકારો આપવા માટે વિશેષ કાયદાઓ બનાવાની વિધાનસભાને સત્તા આપે છે.
  • આ આર્ટિકલથી કાશ્મીર વિધાનસભાને કાશ્મીર સિવાયના ભારતના નાગરિકો ઉપર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કે મનાઈ કરતો કાયદો બનાવવાની સત્તા મળેલ છે.
  • આ આર્ટિકલ મુજબ જમ્મુ અને કાશ્મીર રાજ્યના કાયમી નિવાસીઓ એક ભારતનુ તેમજ બીજુ જમ્મુ અને કાશ્મીરનુ એમ બે નાગરિકત્વ મળે છે.
  • આ આર્ટિકલની જોગવાઈ મુજબ જમ્મુ કાશ્મીર રાજ્યની સરકારી નોકરીઓમાં ફકત જમ્મુ કાશ્મીરન નાગરિકો જ એપ્લાય કરી શકે, ટુંકમાં જમ્મુ કાશ્મીરમા SC/ST/OBC/EWS વગેરે અનામત લાગુ પડતુ નથી.
  • જમ્મુ કાશ્મીર વિધાનસભાના નાગરિકત્વ અંગેના કાયદા મુજબ જો કોઈ જમ્મુ/કાશ્મીરની મહિલા ભારતના પુરુષ સાથે લગ્ન કરે તો તેનુ કાશ્મીરી નાગરિકત્વ સમાપ્ત થઈ જાય છે પરંતુ જો કોઈ કાશ્મીરી મહિલા પાકિસ્તાની પુરુષ સાથે લગ્ન કરે તો તેનુ નાગરિક્ત્વ ચાલુ રહે છે.
  • આ આર્ટિકલની સત્તાથી જમ્મુ કાશ્મીર વિધાનસભાએ નાગરિકત્વ અંગે કરેલ કાયદા મુજબ જો કોઈ પાકિસ્તાની પુરુશ કાશ્મીરી મહિલા સાથે લગ્ન કરે તો તેને કાશ્મીરનુ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે.
  • આ આર્ટિકલની સત્તાથી જમ્મુ કાશ્મીર વિધાનસભાએ કરેલ કાયદા કાશ્મીરનુ નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ સિવાય ભારતનો કોઈ નાગરિક કાશ્મીરમા મિલકત ખરીદી કે વસાવી શકે નહી.
  • આ આર્ટિકલથી રાજ્યની વિધાનસભાએ કરેલ જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીર રાજ્યમા ભારતનો કોઈ નાગરિક કાયમી વસવાટ કરી શકતો નથી કે નાગરિક બની શકતો નથી.

વિશેષ રાજ્યનો દરજ્જો એટલે

  • સામાન્ય રીતે ભારતના રાજ્યોની વિધાનસભાનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે જ્યારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનો સમયગાળો છ વર્ષનો હોય છે.
  • જમ્મુ અને કાશ્મીર રાજ્યમા બે ધ્વજ હોય છે જેમા એક રાષ્ટ્રધ્વજ અને બીજો જમ્મુ કાશ્મીર રાજ્યનો રાજ્યધ્વજ
  • ભારતના રાષ્ટ્રીય ચિહ્નોનુ અપમાન કરવુ એ કાશ્મીરમા ગુનો બનતો નથી.
  • જ્યા સુધી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ન ઈચ્છે ત્યાં સુધી રાજ્યમા ભારતની સંસદે ઘડેલ કોઈ કાયદો લાગુ કરી શકાતો નથી.
  • જમ્મુ અને કાશ્મીરમા ભારતની સુપ્રિમ કોર્ટનુ કાર્યક્ષેત્ર લાગુ પડતુ નથી.
  • દેશના વિવિધ રાજ્યોની હાઇકોર્ટની જેમ જમ્મુ અને કાશ્મીરની હાઇકોર્ટ કોઈપણ કાયદાને ગેરબંધારણીય ઠેરવી શકે નહી.
  • જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ નાગરિકોના મુળભુત અધિકારોના ભંગ સામે નોટીસ પાઠવી શકે નહી.
  • જમ્મુ અને કાશ્મીરનુ નામ, વિસ્તાર અને હદ રાજ્ય સરકારની મંજુરી વગર બદલી શકાય નહી.

શુ આર્ટિકલ ૩૭૦ રદ્દ થઈ શકે?

  1. આર્ટિકલ ૩૭૦ રદ્દ કરવાની બાબત અવારનવાર ચર્ચમા આવી ચુકી છે. સુપ્રિમ કોર્ટમા પણ અનેક પિટિશન થઈ છે તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ચુંટણી ઢંઢેરામા પણ કલમ – ૩૭૦ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
  2. બંધારણી કલમ – ૩૭૦ ની પેટા કલમ -૩ એટલે કે, ૩૭૦(૩) મુજબ ભારતના રાષ્ટ્રપતિ સરકારી ગેજેટ પ્રસિદ્ધ કરી આ કલમ રદ્દ કરવાની અથવા તેમાં સુધારો કે વધારો કે ઘટાડો કે અપવાદોની જાહેરાત કરી શકે છે અને ગેજેટમાં પ્રસિદ્ધ થાય તે દિવસથી જ અમલમાં આવે છે પરંતુ રાષ્ટ્રપતિ આવુ ગેજેટ બહાર પાડે તે પહેલા કલમ – ૩૭૦(૨) મુજબ જમ્મુ કાશ્મીર રાજ્યની વિધાનસભાની સહમતિ જરૂરી છે.
  3. ટુંકમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિધાનસભાની બહુમતિ દ્વારા સહમતિ આપે તો ભારતના રાષ્ટ્રપતિ ગેજેટ પ્રસિદ્ધ કરી કલમ – ૩૭૦ રદ્દ કરી શકે છે.
કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat