સાયબર ક્રાઈમ : સોશિયલ મિડીયાની પોસ્ટ માટેની કલમ 66(A) વિશે સુપ્રિમ કોર્ટના મહત્વ ચુકાદા વિશે સંપુર્ણ કાયદાકીય માહિતિ.

આજના સમમમાં હવા પાણી અને ખોરાક પછી સોશિયલ મિડિયા માણસની સૌથી અગત્યની જરૂરીયાત બની ગઈ છે. સોશિયલ મિડીયાના ઉપયોગથી માણસ એકબીજા સાથે સરળતાથી જોડાય છે અને વિવિધ પ્રકારની માહિતિઓ, ઘટનાઓ, સમાચારો કે વાતોચીતોની આપ-લે કરી શકે છે. આ સાથે જ સોશિયલ મિડીયાનો દૂરઉપયોગ પણ વધ્યો છે. ખોટા સમાચારો, બનાવટી ફોટાઓ, કોમી તંગદીલી વધે એવા લખાણૉ, ઉશ્કેરણી અને નફરત ફેલાય તેવી પ્રવૃતિઓ, ચુંટણીઓ પ્રભાવિત થાય એવા સંદેશાઓ, મહિલાઓને માનસિક ત્રાસ આપવો વગેરે સોશિયલ મિડિયાની નકારાત્મક બાજુઓ છે.

આઈટી એક્ટ શા માટે?

ભારતમાં નેવુના દશક પછી ઈન્ટરનેટનો વપરાશ વધવા લાગ્યો, સાથે સાથે ઈ-કોમર્સ જેવી ધંધાકિય પ્રવૃતિઓ અને બેન્કિંગ ક્ષેત્રમાં પણ ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ વધવા લાગ્યો. આ સાથે ધીરે ધીરે લોકોને ઈન્ટરકનેક્ટ કરતા ઈમેલ, ચેટ, એમએમએસ જેવી અનેક સુવિધાઓનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો જેના કારણે અસંખ્ય કાયદાકીય ગુંચવણો, પ્રશ્નો અને જરૂરીયાતો ઉભી થવા લાગી. આથી ભારત સરકાર દ્વારા ધંધાકીય અને વ્યક્તિગત હિતોને ઈન્ટરનેટ સુવિધાનો વપરાશ પુરો પાડવા, આઈટી ઉદ્યોગને પ્રોત્સાહન પુરુ પાડવા, ઈ-કોમર્સ, ઈ-ટ્રાન્ઝેક્શન, ઈ-ગવર્નન્સ વગેરેને પ્રોત્સાહન આપવા, અને સાયબર ક્રાઈમની પ્રવૃત્તિને અટકાવવા માટે સૌ પ્રથમવાર આઈટી એક્ટ બનાવવામાં આવ્યો.

આઈટી એક્ટ શું છે?

આ કાયદાનુ પુરુ નામ Information Technology Act – 2000 છે જે તા.૧૭ ઓક્ટોબર ૨૦૦૦ થી સમગ્ર ભારત દેશમાં લાગુ થયેલ છે. ઉલ્લેખનિય છે કે આ કાયદાની કલમ – ૧(૨) મુજબ ભારત બહારનો કોઈ વ્યક્તિ ભારતના કોમ્પ્યુટર કે ભારત સ્થિત કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરીને કોઈ કાયદા વિરુદ્ધનુ કૃત્ય કરે તો ભારતનો નાગરિક ન હોય તો પણ સાયબર ક્રાઈમનો ગુનો લાગુ પડે છે. જો કે આ કાયદા મુજબ સાયબર ક્રાઈમની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપેલ નથી પરંતુ અમુક ચોક્ક્સ પ્રવૃત્તિઓને ગુના તરીકે જાહેર કરવામાં આવી છે. જેમાં હેક કરવુ, કોમ્પ્યુટર સોર્સ સાથે છેડછાડ કરવી, ચોરાયેલા કોમ્પ્યુટર કે ઈલેક્ટ્રોનિક માહિતિ ખરીદવી, કોઈ વ્યક્તિનો પાસવર્ડ ઉપયોગ કરવો, કોઈના ખાનગી ફોટાઓ જાહેર કરી દેવા, બિભત્સ વસ્તુઓ પ્રદર્શિત કરવી, ચાઈલ્ડ પોર્ન જેવી અનેક બાબતોને આ કાયદાથી ગુનો ગણવામાં આવેલ છે.

કલમ 66(A) શું છે?

ઓરિજનલ કાયદામાં કલમ – 66(A) નો કોઈ ઉલ્લેખ ન હતો પરંતુ કાયદો અમલમાં આવ્યા પછી જરૂરીયાતોને તેમજ સાયબરને લગતા ગુનાઓને ધ્યાને લઈ મુળ કાયદામાં સંશોધન કરી વર્ષ ૨૦૦૯માં કલમ 66(A) ઉમેરવામાં આવી. આ કલમની ભાષા અત્યંત અસ્પષ્ટ અને જટીલ હોવા સાથે કલમ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે.

  1. “કોઈપણ વ્યક્તિ કોમ્પ્યૂટરનો અથવા સંદેશવ્યવહારનાં સાધનનો ઉપયોગ કરીને અત્યંત હાનિકારક અથવા હેરાન કરનારી ભાષા વાપરે તેને ત્રણ વર્ષ સુધીની સજા થઇ શકે છે” ઉલ્લેખનીય છે કે કઈ/કેવી ભાષાને ‘હાનિકારક’ અથવા ‘હેરાન કરનારી’ ગણવી તેની કોઈ વ્યાખ્યા આ કલમમાં કે કાયદામાં આપવામાં આવી નથી માટે આ કલમનો દુરઉપયોગ કરીને પોલીસ ફેસબુક અથવા ટ્વિટર પરના કોઇ પણ સંદેશાને ‘હાનિકારક’ ગણાવીને આવા સંદેશ મૂકનારને જેલમાં ધકેલી શકે છે અને ધકેલી રહી હતી.
  2. “કોઈપણ વ્યક્તિ જુઠી માહિતીનો પ્રચાર કરીને કોઈને ગુસ્સો કરાવે, અગવડ ઊભી કરે, જોખમી બને, અવરોધ ઊભા કરે, અપમાન કરે, ઈજા કરે, ગુનાઈત ધમકી આપે, દુશ્મની, નફરત કે ખરાબ લાગણી પેદા કરે તેને ત્રણ વર્ષ સુધીની સજા થઇ શકે છે.” પરંતુ આ કલમ કે કાયદા મુજબ આવી પ્રવૃત્તિઓની પણ કોઈ વ્યાખ્યા કરવામાં આવી નથી. ફેસબુક ઉપર આપણું લખાણ વાંચીને કોઇને ગુસ્સો આવે તો તે પોલીસમાં ફરિયાદ કરી શકે છે અને પોલીસ આપણી ધરપકડ કરી શકતી હતી.
  3. “કોઈપણ વ્યક્તિ ઇલેકટ્રોનિક મેઇલ મોકલીને કોઈને ગુસ્સો કરાવે, અગવડ પેદા કરે, તેને છેતરે અથવા ગેરમાર્ગે દોરે તો તેવો સંદેશો મોકલનારને પણ ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. મતલબ કે કોઈપણ વ્યક્તિને આપણે ઈ-મેઇલ મોકલીએ તો તે આપણી સામે ફરિયાદ કરી શકે એવી જોગવાઈ હતી.

આવી વિવાદીત, અસ્પષ્ટ અને રાક્ષસી જોગવાઈઓ સાથે ૨૦૦૯માં આ કલમ લાગુ કરવામાં આવી હતી. આ કાયદાનો દૂરઉપયોગ કરીને રાજકારણીઓ વિરુદ્ધ કાર્ટૂનો ચિતરીને ઇન્ટરનેટ ઉપર મૂકનારા અસીમ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીની ઠેકડી ઉડાડતું કાર્ટૂન બનાવનારા જગદિમ્બકા મહાપાત્રની, તત્કાલિન નાણાંપ્રધાન પી. ચિદમ્બરમના પુત્રની ટીકા કરનારા ઈસમની તેમજ રાજ ઠાકરે વિશે ફેસબુકમાં ટીકા કરનાર શાહીન ધડાની તેમજ રેણુની ધરપકડ કરવામાં આવેલ હતી. આઈટી એક્ટ કલમ – ૬૬(એ)નો અત્યંત દુરઉપયોગ થવાના કારણે શ્રેયા સિંઘલ નામની વ્યક્તિ દ્વારા સુપ્રિમ કોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી.

સુપ્રિમ કોર્ટનો શ્રેયા સિંઘલ ચુકાદો શું છે?

કાયદા શાખાની વિદ્યાર્થીનિ શ્રેયા સિંઘલ નામની એક વ્યક્તિએ વર્ષ – ૨૦૧૨માં સુપ્રિમ કોર્ટમાં પીઆઈએલ કરીને કલમ ૬૬(એ)ની વિરુદ્ધમાં રજુઆત કરી કે, આ કલમ ભારતના બંધારણની કલમ-૧૯(૨)માં આપેલ વાણી, વિચાર અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મુળભુત અધિકાર ઉપર તરાપ મારે છે. વધુમાં તેણીએ કોર્ટને જણાવ્યુ હતુ કે ગુનાઈત ધમકી મારવી, ઉશ્કેરવુ, ગુસ્સો પ્રેરિત કરવો, ભય ઉભો કરવો, અડચણ કરવી, અપમાન કરવુ, ઈજા પહોચાડવી, તિરસ્કાર-ધૃણા કે નફરત ફેલવવી વગેરે તમામ બાબતો બંધારણની કલમ ૧૯(૨)ના દાયરાની બહાર છે. આ કાદાના દુરઉપયોગ કરીને અસંખ્ય નિર્દોષ લોકો ઉપર કેસ કરવામાં આવ્યા છે વગેરે વગેરે, આમ શ્રેયાએ કહ્યું હતું કે કાયદાની આ જોગવાઇ અમારાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર પર તરાપ સમાન છે.

સુપ્રિમ કોર્ટે શુ ચુકાદો આપ્યો?

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જે. ચેલમેશ્ર્વર અને ન્યાયાધીશ આર.એફ.નરીમાનની બનેલી બેન્ચે વિચાર અભિવ્યક્તિની સ્વતંત્રતાને વ્યક્તિનો ‘મૂળભૂત’ અધિકાર ગણાવ્યો હતો અને ઈન્ટરનેટ કે સોશિયલ મિડિયા પર કહેવાતી ‘અપમાનકારક’ (વાંધાજનક) વિગત પોસ્ટ કરનારી વ્યક્તિની ધરપકડ માટેની કાયદામાંની કલમ – ૬૬(એ)ની જોગવાઇને ગેરબંધારણીય ગણાવીને કાઢી નાખી હતી. વાણી વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણ કરતા સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે વેબસાઇટ પર કહેવાતી અયોગ્ય કે વાંધાજનક માહિતી પોસ્ટ કરનારી વ્યક્તિઓ સામે વિવિધ વહીવટીતંત્ર દ્વારા માહિતી તંત્રજ્ઞાન (આઈટી) ધારાની કલમ ૬૬ – એ ના આધારે લેવાતા પગલાં બરાબર નથી. ન્યાયાધીશે જણાવ્યુ હતુ કે કાયદામાં વપરાયેલા શબ્દો જેવા કે ધમકી, ઉશ્કેરણી, અપમાન, પીડા, ઈજા જેવા અનેક બાબતોની વ્યાખ્યા કરવામાં આવી નથી.

આખો વિવાદ શું છે?

The Internet Freedom Foundation નામના એક સંગઠને સુપ્રિમ કોર્ટમાં અરજી કરી કે નામદાર સુપ્રિમ કોર્ટે ૨૦૧૫માં કલમ 66(a) રદ્દ કરતો ચુકાદો આપ્યો હોવા છતાય પોલીસ દ્વારા આ રદ્દ થયેલી કલમનો દુર ઉપયોગ કરીને ૨૦૧૫ પછી ૨૨ જેટલા વ્યક્તિઓ ઉપર આ કલમ લગાવી છે. આ સિવાય વિવિધ હાઈકોર્ટ, ટ્રાયલ કોર્ટ અને પોલીસ સ્ટેશનોમાં પણ આનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે એવી રજુઆત કરવામાં આવેલ હતી. આ રજુઆત ઉપર નામદાર સુપ્રિમ કોર્ટે તાજેતરમાં જ ચુકાદો આપતા આદેશ કર્યો કે, “દરેક રાજ્યોના ચીફ સેક્રેટરી રાજ્યના તમામ હાઈકોર્ટને તેમજ રાજ્યોના પોલીસ વડાને શ્રેયા સિંઘલ ચુકાદાની એક નકલ આઠ અઠવાડીયામાં મોકલી આપે”

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

6 COMMENTS

  1. Good Information.
    સરળ શબ્દોમાં ખુબજ સાચી અને સચોટ માહિતી, દરેક માટે ઉપયોગી.
    આપનો ખુબ ખુબ આભાર…
    Thankyou.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat