મહિલાઓ માટે ખુબ જ અગત્યનાં આઠ કાયદાઓ વિશે દરેક મહિલાએ જાણવું જોઈએ. જાણો મહિલાઓનાં કાયદાકીય અધિકારો

આપણે અવારનવાર મહિલાઓ ઉપર શારીરિક કે માનસિક અત્યાચારનાં કિસ્સાઓ વાંચતા હોઈએ છીએ. આપણી આસપાસમાં પણ મહિલાઓને હેરાન-પરેશાન કે શોષણ કરવાના કેટલાય બનાવો બનતા હોય છે પણ કાયદાની જોગવાઈઓની જાણકારી ન હોવાના કારણે બધા જ કિસ્સાઓ પોલીસ સ્ટેશન સુધી પહોચતા નથી. કાયદાની જાણકારી આજના સમયમાં સૌથી અગત્યની બાબત હોવા છતાય નાગરીકોમાં કાયદો જાણવાની જીજ્ઞાસા દેખાઈ નથી રહી તે દુઃખદ છે.

મહિલાઓને કામનાં સ્થળે કે અન્ય જગ્યાએ શોષણ, અત્યાચાર અને પુરુષો દ્વારા લિંગ આધારિત ભેદભાવથી રક્ષણ આપવા માટે તેમજ મહિલાઓનું ગૌરવ જાળવવા માટે સરકારે અનેક કાયદા બનાવ્યા છે જેમાંનાં સૌથી અગત્યનાં આઠ કાયદાઓ વિશે આજે આપણે વાત કરવાના છીએ. દરેક મહિલાએ આ આઠ કાયદાઓ યાદ રાખવા જરૂરી છે.

બિભત્સ વર્તન / અપશબ્દો બોલવા : કોઈપણ ઉંમરની મહિલાની હાજરીમાં કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનાં ગ્રુપ દ્વારા બિભત્સ વર્તન કરવું અથવા અપશબ્દો બોલવા અથવા મહિલાની સામે અભદ્ર કોમેન્ટ કરવી તે “ભારતીય દંડ સંહિતા-૧૮૬૦”ની કલમ ૨૯૪ અને ૫૦૯ મુજબ ગુનો બને છે.

બાળલગ્ન : બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ – ૧૯૨૯ મુજબ તેમજ હિંદુ લગ્ન કાયદામાં નક્કી કર્યા મુજબ ૧૮ વર્ષથી ઓછી ઉમરની છોકરીના લગ્ન કરવા ગેરકાયદેસર છે.

અયોગ્ય પોલીસ કાર્યવાહી : નામદાર સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં ચોવીસ કલાક માટે મહિલા પોલીસ અધિકારી હોવા જરૂરી છે તેમજ મહિલાની જાતીય સતામણીને લગતી કોઇપણ ફરિયાદ મહિલા અધિકારી સમક્ષ જ લેવી જરૂરી છે. આ સિવાય મહિલા આરોપીની ઝડતી કે ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં જ થઈ શકે. તેમજ સુર્યાસ્ત પછીથી લઈને સૂર્યોદય દરમ્યાન મહિલાની ધરપકડ કરી શકાય નહિ.

લઘુત્તમ વેતન : લઘુત્તમ વેતન ધારો – ૧૯૪૮ ની જોગવાઈ મુજબ મહિલાઓને (અને પુરુષોને પણ) એક કામ માટે એક સમાન વેતન મળવું જરૂરી છે.

સંપત્તિમાં વારસાહક્ક : હિંદુ વારસા અધિનિયમ – ૧૯૫૬ ની જોગવાઈઓ મુજબ સ્ત્રી (અને પુરુષને) લિંગભેદ વગર વારસાગત મિલકતમાં ભાગ મેળવવાનો અધિકાર છે.

દહેજ : દહેજ પ્રતિબંધક અધિનિયમ – ૧૯૬૧ મુજબ દેહજ આપવું અને દહેજ લેવું બંને ગુનો છે અને દહેજ લેવા કે આપવા બદલ પાંચ વર્ષ જેલની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે.

ઘરેલું હિંસા : ભારતીય દંડ સંહિતા – ૧૮૬૦ ની કલમ ૪૯૮(અ) મહિલાને ઘરે માનસિક કે શારીરિક ત્રાસ આપવો અથવા ત્રાસ આપવાની કોશિશ કરવી એ ગુનો બને છે.

અશ્લિલતા ફેલાવવી : મહિલાઓનાં અશ્લિલ પ્રદર્શન પ્રતિબંધક અધિનિયમ – ૧૯૮૬ની જોગવાઈઓ મુજબ કોઇપણ વ્યક્તિ કે સંગઠન કે કંપની અશ્લીલતા ફેલાય એવી રીતે ઓનલાઈન કે ઓફલાઈન મહિલાઓનાં ફોટા કે વિડીયો પ્રદર્શિત કરે તે ગુનાહિત કૃત્ય છે.

તો મહિલાઓનાં અધિકારને લગતા ઘણા નિયમો અને કાયદાઓ આપણે આગળના આર્ટીકલમાં વાંચીશું.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat