અગ્નિકાંડ : સાપરાધ મનુષ્યવધ અંગેની આઈપીસી કલમ ૩૦૪  એટલે શુ? જાણો કાયદાકીય માહિતી.

તાજેતરમાં જ સુરતમાં એક દુર્ઘટના બની જે અનુસંધાનમાં સુરત સરથાણા પોલીસ દ્વારા બિલ્ડર, કોચિંગ ક્લાસ માલિક અને સામે કલમ – ૩૦૪ મુજબ ફરીયાદ નોંધાઈ છે. તપાસ દરમ્યાન પોલીસે આ કલમ મુજબ જ અન્ય સરકારી સરકારી અધિકારીઓની પણ ધરપકડ કરી છે ત્યારે કલમ – ૩૦૪ વિશે માહિતી મેળવવી જરૂરી બને છે. બોલે ગુજરાત દ્વારા લોકોને કાયદાકીય માહિતી પહોંચાડવાના ભાગ રૂપે આજના લેખમાં કલમ – ૩૦૪ વિશે જાણકારી.

ભારતીય દંડ સંહિતા શું છે?

જ્યારે ભારત ઉપર અંગ્રેજોનુ શાસન હતુ ત્યારે બ્રિટીશ સરકાર દ્વારા ભારતમાં બનતા ચોરી, લુંટ, મારામારી, ધમકી, સરકારી કર્મચારીને અડચણ, ખુન, બળાત્કાર, અપહરણ જેવા અનેક પ્રકારના અપરાધોની વ્યાખ્યા અને સજા કરવા માટે જે કાયદો બનાવવામાં આવ્યો હતો તેને “ભારતીય દંડ સંહિતા-૧૮૬૦” કહેવામાં આવે છે. અંગ્રેજ અધિકારી લોર્ડ મેકોલે નામના વ્યક્તિ દ્વારા વર્ષ – ૧૮૩૮માં આ કાયદાનો ડ્રાફ્ટ (ખરડો) તૈયાર કરવામાં આવ્યો હતો અને વર્ષ – ૧૮૬૦માં આ બ્રિટીશ ગવર્નર લોર્ડ કેનિંગ દ્વારા કાયદો બ્રિટીશ શાસિત ભારત ઉપર લાગુ કરવામાં આવ્યો હતો. આમ, ભારતીય દંડ સંહિતા – ૧૮૬૦ નો કાયદો આજે પણ સમગ્ર ભારતમાં લાગુ પડે છે. ભારતીય દંડ સંહિતામાં દરેક ગુનાની વ્યાખ્યા અને સજાની જોગવાઈ એમ અલગ-અલગ ઉલ્લેખ કરવામાં આવેલ છે.

સાપરાધ મનુષ્યવધ એટલે શું?

ભારતીય દંડ સંહિતા કલમ – ૨૯૯ માં આપેલી વ્યાખ્યા મુજબ “જ્યારે કોઈ વ્યક્તિ તેના કોઈ કૃત્યથી સામેવાળાનુ મોત થશે અથવા મોત થાય એવી ગંભીર શારિરિક ઈજા થશે એવી જાણકારી હોય ત્યારે તે વ્યક્તિએ કરેલુ કૃત્ય સાપરાધ મનુષ્યવધનો ગુનો કરે એમ કહેવાય. સાપરાધ મનુષ્યવધને ગુનાહિત મનુષ્યવધ પણ કહેવાય છે. ઉદાહરણ તરીકે મહેશ પાસે બ્રેક ફેઈલ થઈ ગયેલી મોટરગાડી હોય અને ગૌરવ આવીને મોટરગાડી માંગે અને મહેશને ખબર છે કે ગાડીની બ્રેક ફેઈલ છે અને અકસ્માત થાય તો ગૌરવનુ મોત થાય એવુ જાણવા છતા મહેશ ગાડી આપે અને જો એક્સિડન્ટમાં ગૌરવ મૃત્યુ પામે તો તેના મોતનો જવાબદાર મહેશ ગણાય. આમ, કલમ – ૨૯૯માં ગુનાહિત મનુષ્યવધ એટલે કે સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા આપવામાં આવી છે.

કલમ – ૩૦૪ : માં સાપરાધ મનુષ્યવધની સજાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કલમમાં જણાવેલ સજા મુજબ ખુન ન ગણાય એવા સાપરાધ મનુષ્યવધ માટે આજીવન કેદ અથવા ૧૦ વર્ષની કેદની સજા તેમજ દંડની જોગવાઈ કરવામાં આવેલી છે.

કલમ – ૩૦૪(એ) : જણાવ્યા મુજબ બેદરકારીથી મૃત્યુ નિપજાવવા અંગેની સજાની જોગવાઈ છે. આ કલમમાં જણાવેલ સજા મુજબ જો કોઈ વ્યક્તિ ગુનાહિત મનુષ્યવધ ન ગણાય તેવુ બેફામ રીતે કરેલુ કે બેદરકારીભર્યુ કૃત્ય કરીને કોઈનુ મોત નિપજાવે તો તેને બે વર્ષની સજા અથવા દંડ અથવા બંન્ને થઈ શકે છે.

સાપરાધ મનુષ્યવધ અથવા ગુનાહિત મનુષ્યવધનો ગુનો બિનજામીનપાત્ર તેમજ પોલીસ અધિકારનો એટલે કે કોગ્નિઝેબલ પ્રકાનો ગુનો છે જેને સેશન્સ કોર્ટ દ્વારા જ ચલાવી શકાય તેમજ આ ગુનામાં સમાધન કરી શકાતુ નથી.

અન્ય કાયદાકીય જાણકારી?

આ કલમ – ૩૦૪ ના બે પરિસ્થિતી બને છે જેમા પહેલી સ્થિતિમાં કોઈ વ્યક્તિ એવુ કાર્ય કરે જેમા એ વ્યક્તિનો બીજી વ્યક્તિને જાનથી મારી નાખવાનો ઈરાદો હોય છે અને આવા ઈરાદા સાથે તે બીજા વ્યક્તિને એવી ઈજા કરે જેનાથી વ્યક્તિનુ મૃત્યુ થઈ જાય, જો કે ઈજા દ્વારા મૃત્યુ તત્કાલ ન થતા થોડાક દિવસ પછી પણ થાય તો પણ આ કલમ મુજબ ગુનો છે

તેમજ બીજી પરિસ્થિતિ જેમા કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ બીજી વ્યક્તિને જાનથી મારી નાખવાનો ઈરાદો નથી હોતો પણ એવી ઈજા પહોંચાડે જે ઈજા દ્વારા વ્યક્તિનુ મૃત્યુ થઈ જાય તે કૃત્ય પણ ગુનાહિત મનુષ્યવધ ગુનો બને છે.

સુરતની ઘટનામાં પોલીસે ૩૦૪ મુજબ ગુનો નોંધેલ છે જેમાં બિલ્ડર, ક્લાસિસ સંચાલક, ફાયર બ્રિગેડ, અને વિજળી વિભાગના અધિકારીઓની અલગ અલગ પ્રકારની બેદરકારી દાખવવા બદલ અને તેમની બેદરકારીના કારણે જે મોત થયા તેમા ગુનાહિત મનુષ્યવધના આધારે તેમની ધરપકડ કરી છે.

અવનવી કાયદાકીય માહિતી મેળવવા માટે અમારૂ Bole Gujarat ફેસબુક પેજ લાઈક કરો અને શેર કરો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat