ગંભીર પ્રકારના ગુનામાં ભોગ બનનારને સરકારી વળતર મળે છે, જાણો સરકારી વળતર અંગેના કાયદા વિશે.

આપણા દેશના ઘણા સારા-સારા કાયદાઓ બનેલા છે પરંતુ નાગરિક તરીકે આપણને કાયદાનુ જ્ઞાન ન હોવાના કારણે આપણે લાંચ આપવી પડે છે અથવા તો આપણને મળતા લાભો કે અધિકારો મેળવી શકતા નથી. પ્રજા તરીકે આપણે કાયદાઓ અને આપણા અધિકારો જાણાવા ખુબ જ જરૂરી છે. બોલે ગુજરાતના માધ્યમથી વિવિધ પ્રજાલક્ષી કાયદાકીય બાબતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીયે છીયે ત્યારે અમારા લેખને ફેસબુક પર શેર કરજો અને લાઈક કરજો. બોલે ગુજરાતના આજના લેખમાં આપણે સરકારના વળતરના કાયદા વિશે જાણવાનુ છે.

શું છે ભોગ બનનાર વળતર યોજના?

સી.આર.પી.સી કલમ-૩૫૭(એ)માં શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનામાં ભોગ બનનાર વ્યક્તિને વળતર આપવાની જોગવાઈ છે. આ કાયદાકીય જોગવાઈના આધાર ઉપર ગુજરાત સરકારે તારીખ ૨/જાન્યુઆરી/2016 ના રોજ ગૃહ વિભાગનું એક નોટિફિકેશન બહાર પાડીને “Gujarat victim compensation scheme 2016” નામની એક યોજના જાહેર કરેલ છે. આ યોજના અંતર્ગત વિવિધ પ્રકારના શરીર વિરુદ્ધના ગંભીર પ્રકારના ગુનાઓમાં ભોગ બનેલા વ્યક્તિને અથવા તેના પરિવારજનોને અથવા તેના આશ્રિત વ્યક્તિઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

વળતર આપવા માટે કાયદાકીય જોગવાઈ શું છે?

  • સીઆરપીસી કલમ- ૩૫૭(૩) મુજબ જ્યારે કોર્ટ કોઈ આરોપીને સજા સંભળાવે ત્યારે કોર્ટ પોતાના સજાના હુકમમાં આરોપીએ કરેલી શારિરિક અને માનસિક હાનિ બદલ ભોગ બનનાર વ્યક્તિને કે એના આશ્રિતને કે પરિવારને અમુક ચોક્ક્સ રકમ વળતર પેટે ચુકવવાનો આદેશ કરી શકે છે.
  • સીઆરપીસી કલમ-૩૫૭(એ)(૪) મુજબ કોઈ કિસ્સામાં શરીર સંબંધી ગંભીર ગુનો કરનાર આરોપીની પોલીસ શોધખોળ ન કરી શકે અથવા પકડી ન શકે અથવા આરોપી અદાલતી કાર્યવાહી દરમ્યાન કોર્ટમાંથી નિર્દોષ છુટી જાય તેવા સંજોગોમાં ભોગ બનનાર વ્યક્તિને શારિરિક અને માનસિક પુનવર્સન કરવા માટે અરજી કરી શકાય છે. તેમજ
  • સીઆરપીસી કલમ-૩૫૭(એ)(૪) મુજબ કોઈ કિસ્સામાં શરીર સંબંધી ગંભીર ગુનો કરનાર આરોપીની પોલીસ શોધખોળ ન કરી શકે અથવા પકડી ન શકે અથવા આરોપી ન મળવાના કારણે કોઈ અદાલતી કાર્યવાહી ન થાય તેવા સંજોગોમાં ભોગ બનનાર વ્યક્તિને શારિરિક અને માનસિક પુનવર્સન કરવા માટે અરજી કરી શકાય છે.

વળતર મેળવવા અરજી કોને કરવી?

ગુજરાતના દરેક જિલ્લાની અદાલત પરિસરમાં “જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ”ની કચેરી આવેલી હોય છે તેમજ રાજ્ય કક્ષાએ રાજ્ય કાનૂની સેવાસત્તા મંડળની કચેરી આવેલી હોય છે. કોર્ટના આદેશ બાદ અથવા કોર્ટ કાર્યવાહી પુર્ણ થયા બાદ ભોગ બનનાર વ્યક્તિએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને લેખિતમાં અરજી કરી વળતર મેળવવાનો દાવો કરવાનો હોય છે. જિલ્લા સત્તા મંડળ સમગ્ર અરજી ઉલ્લેખ કરેલ ઈજા, શારિરિક નુકશાની, ખુનના જીવવનો અંત, તેમજ કેસ સંબંધિત તમામ બાબતની તપાસ કરે છે અને વળતર મેળવાના દાવાની મંજુર કે નામંજુર કરે છે તેમજ દાવાની ખરાઈ કર્યા પછી યોગ્ય કિસ્સામાં કેટલુ વળતર ચુકવવુ તે રકમ પણ નક્કી કરે છે. વળતરની રકમમાં દવાખાનાનો ખર્ચો, દવાનો ખર્ચો, પુનર્વસન તેમજ અંતિમક્રિયા સહિતના ખર્ચાની ગણતરી પણ કરવામાં આવે છે. કોઈપણ કિસ્સામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે બે મહિનાની અંદર તપાસ પુર્ણ કરીને વળતર ચુકવી દેવાનુ હોય છે.

કેવા કિસ્સામાં કેટલુ વળતર મળવાપાત્ર છે?

  • ગુજરાત ભોગ બનનાર વળતર યોજના – ૨૦૧૬ માં જણાવ્યા પ્રમાને અલગ અલગ પ્રકારના શરીર સંબધી ગુનામાં અલગ અલગ વળતર આપવાની જોગવાઈ છે જે મુજબ
  • એસિડ એટેકના કિસ્સામાં – ૭ લાખ
  • બળાત્કારના કિસ્સામાં – ૪ થી ૭ લાખ
  • સામુહિક બળાત્કાર ગેંગરેપના કિસ્સામાં – ૫ થી ૧૦ લાખ
  • બળાત્કારને કારણે ગર્ભવતી બનવાના કિસ્સામા – ૩ થી ૪ લાખ
  • સૃષ્ટીવિરુદ્ધના કૃત્યના કિસ્સામા – ૪ લાખ
  • નાબાલિગની શારીરિક છેડતીના કિસ્સામાં – ૨ લાખ
  • બળાત્કાર સિવાયના શારિરિક હુમલાના કિસ્સામાં – ૫૦ હજાર
  • ટોળા દ્વારા ખુન કરી મૃત્યુ નિપજાવવાના કિસ્સામાં – ૫ લાખ
  • ગંભીર શારિરિક ઈજાઓના કારણે ૮૦% સુધીની વિકલાંગતા આવી જાય તેવા કિસ્સામાં – ૨ લાખ
  • ૪૦% થી લઈને ૮૦% સુધીની વિકલાંગતા આવી જાય તેવા કિસ્સામાં – ૧ લાખ
  • એસિડ એટેક સિવાયના સળગાવી દેવાના કિસ્સામાં જો ૨૫% કરતા વધુ ભાગ સળગી જાય, કદરૂપતા આવે કે ખોડખાંપણ આવે તેવા કિસ્સામાં – ૭ થી ૮ લાખ
  • ગર્ભાશયને નુકશાન પહોંચાડવાના કિસ્સામાં – ૫૦ હજાર
  • મહિલાની ગર્ભાધાનશક્તિને નુકશાન પહોંચાડવાના કિસ્સામાં – દોઢ લાખ
  • હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી)ના કિસ્સામાં પુનવર્સન માટે – ૧ લાખ
  • આ સિવાય ઉપર જણાવેલ કોઈપણ કિસ્સામાં જો ભોગ બનનાર વ્યક્તિ ૧૪ વર્ષ કરતા ઓછી ઉંમરની હોય તો ઉપર નક્કી કરેલ મળવાપાત્ર રકમમાં ૫૦% વધુ રકમ મળવાપાત્ર છે.

એસિડ એટેકના કિસ્સામાં વળતર કઈ રીતે મેળવવુ?

એસિડ એટેકના કિસ્સામાં ભોગ બનનાર મહિલાએ અથવા તેના પરિવારજનોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને વળતર મેળવવા માટે દાવા અરજી કરવાની હોય છે અને અરજી મળ્યા પછી જિલ્લા કાનૂની મંડળે દાવાની તેમજ ઘટનાની, ઈજાની, નુકશાનની ખરાઈ કરવાની હોય છે. જો કિસ્સો વ્યાજબી જણાઈ આવે તો ભોગ બનાનારે કાયદેસર મળવાપાત્ર ત્રણ લાખમાંથી પંદર દિવસની અંદર જ એક લાખ રૂપિયા વચગાળાના વળતર તરીકે સારવાર પેટે આપી દેવા પડે છે. બાકી વધતા બે લાખ રૂપિયા ઘટના સંજોગ અને કાયદેસર પ્રક્રિય દ્વારા બાકીના બે મહિનાની અંદર ચુકવી દેવા જોઈયે. કોઈ કિસ્સામાં એસિડ એટેકના ભોગ બનનારનુ મૃત્યુ થાય તેવા કિસ્સામાં મળવાપાત્ર રકમ તેના પરિવારજનો અથવા આશ્રિતોને ચુકવવી પડે છે.

Credit : Google

મેડિકલ સારવાર અંગે જોગવાઈ

જ્યારે કોઈ ભોગ બનનાર વ્યક્તિ પોતાને થયેલી શારિરિક ઈજાઓ કે નુકશાન માટે વળતર મેળવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સમક્ષ દાવા અરજી કરે છે ત્યારે જિલ્લા મંડળ વળતરની રકમ નક્કી કરવા માટે ભોગ બનનારે સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી કે ખાનગી હોસ્પિટલમાં તેની જાણકારી મેળવે છે. જો ખાનગી દવાખાનામાં સારવાર લીધી હોય તો આ દવાખાનુ ગુજરાત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રમાણિત છે કે કેમ તે પણ ખરાઈ કરે છે. જો ભોગ બનનારે અન્ય કોઈ હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો તે હોસ્પિટલના સિવિલ સર્જનના સર્ટિફિકેટની જરૂર પડે છે અને એ સર્ટિફિકેટ આધારે ભોગ બનનારને સારવારનો ખર્ચો પણ આપવામાં આવે છે.

આ સિવાય જ્યારે પોલીસ સ્ટેશનમાં આવા કોઈ ગંભીર ગુનાની ફરીયાદ નોંધવામાં આવે ત્યારે પોલીસએ ભોગ બનનારે આ તમામ બાબતો અને વળતર વિશે જણાવવાની ફરજ છે તેમજ પોલીસે ભોગ બનનારને વળતર મેળવવાની પ્રક્રિયામાં મદદરૂપ થવાની જવાબદારી છે પરંતુ પ્રજા તરીકે આપણે કાયદાકીય જાણકારી ન હોવાના કારણે આપણા અધિકારો મેળવી શકતા નથી.

જો તમને આ કાયદાકીય લેખ ગમ્યો હોય તો ફેસબુકમાં શેર કરો અને બોલે ગુજરાત પેજ લાઈક કરો

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat